સમણાં નો વહેવાર !
May 05
ગીત Comments Off on સમણાં નો વહેવાર !
[wonderplugin_audio id=”1091″]
રે ભાઈ, આ તો સમણાં નો વહેવાર !
સમણાંનો વહેવાર,
ભાઈ આતો ભ્રમણાંનો વહેવાર…
કોઈ આવે કોઈ જાય પલકમાં કોઈ વળી રોકાય
ઊઘડે કોઈ સોળે કળાએ કોઈ વળી વિલાય !
ભવના મેળા એવા ભરાણા જાણે –
સગપણનો તહેવાર !
ભાઈ આતો સમણાંનો વહેવાર…
રાગ અને વેરાગ બેઉથી કેમ કરી છૂટાય ?
કંઈક જનમની ઝંખના એ તો હૈયામાં ઘૂંટાય !
કોઈ અધૂરા તપને કાજે –
શોધી રહ્યું સથવાર !
ભાઈ આ તો સમણાંનો વહેવાર…
કોઈની પીઠી, કોઈના ફેરા, કોઈનો ઘરસંસાર !
આમ જુઓ તો લાખે લેખાં આમ નહીં કંઈ સાર !
સંબંધોનાં તાણાવાણા –
વેદના અપરંપાર !
ભાઈ આ તો સમણાંનો વહેવાર…
-માધવ રામાનુજ
સ્વરઃ પ્રફુલ્લ દવે
સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ