આજ મ્હેં તો મધરાતે સાંભળ્યો મોર
મધરાતે સાંભળ્યો મોર.. આજ મ્હેં તો

વાદળાય નહોતા ને ચાંદો ય નહોતો
ઝાકળનો ઝામ્યો તો દોર
ઝાકળને માનીને વાદળનો વીંઝણો
છેતરાયો નટવો નઠોર.. આજ મ્હેં તો…

આકાશી ઘૂંઘટ ઉઘાડી કોઈ તારલી
જોતી’તી રજનીનું જોર
વડલાની ડાળે બેઠેલ એણે ઓળખ્યો
રંગોનો રઢિયાળો ચોર… . આજ મ્હેં તો…

ઉષાની પાંપણ જ્યાં અધમીચી ઊઘડી
કાજળ કરમાણી કોર
રંગ કેરાં ફૂમતડાં ફંગોળી મોરલે
સંકેલી લીધો કલશોર.. આજ મ્હેં તો…

-ઈન્દુલાલ ગાંધી

સ્વરઃ રાસબિહારી દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા