બસ    એટલી  સમજ  મને  પરવરદિગાર  દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાનાં વિચાર દે.

માની  લીધું   કે   પ્રેમની   કોઈ   દવા   નથી,
જીવનના   દર્દીની   તો   કોઈ    સારવાર  દે.

ચાહ્યું  બીજું   બધું   તે   ખુદાએ   મને   દીધું,
એશું   કે   તારા   માટે   ફક્ત   ઇન્તિજાર  દે.

પીઠામાં  મારું  માન   સતત   હાજરીથી   છે,
મસ્જિદમાં  રોજ  જાઉં  તો કોણ આવકાર દે.

આ નાના નાના દર્દ  તો  થાતા  નથી  સહન,
દે   એક    મહાન   દર્દ   અને    પારાવાર   દે.

સૌ   પથ્થરોનો   બોજ   ઉંચકી   લીધો   અમે
અમને   નમાવવા  હો   તો   ફૂલોનો  ભાર  દે.

દુનિયામાં  હું  કંઈક નો  કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું  લેણ  જો  અલ્લાહ  ઉધાર   દે.

-‘ મરીઝ’

સ્વરઃ શ્યામલ સૌમિલ મુનશી
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા