હો એક ભમરો મહેક્યો ને ફૂલડાં ફોર્યા
કે ડાળખી ઝૂમી ઊઠી રે લોલ
કે લાગણી ઝુમી ઉઠી રે લોલ
હો એક ભમરો મહેંક્યો

વાસંતી લ્હેરખી એવી મુંઝાઇ
કે એણે ઝટ દઇ ઘૂમટાને તાણ્યો
કોકિલની કયાંકથી વ્હેતી શરણાઇ
કોણે મોસમના મહિમાને જાણ્યો
કોણે છાના છાના સપનાં ને ચોર્યા’
કે રાત રૂમઝૂમી ઊઠી રે લોલ
હો એક ભમરો મહેંક્યો…

રેશમી આ ઘાસમાં આળોટે રાત
એની આંખમાં ઉજાગરાનો છાક
ઝાંઝરે એવો તે કોનો રણકાર પીધો
કે ચરણોમાં કયાંય નથી થાક
કોણે કાળજાં અમારાં આ કોર્યા
કે અંગ અંગ ચૂમી ઊંઠી રે લોલ
હો એક ભમરો મહેંકયો …

-સુરેશ દલાલ