એક બાજુ તારો મિજાજ મારા રંગરાજ
બીજી કોર ફાગણ તોર
હું તો લાજુડી મુઝાણી લાડમાં રે …

કંથજીના બોલે ને કેસૂડાંને કરીએ શું
રંગાવા બેઠા ને રંગે ના કહીએ શું
એક બાજુ હૈયાને હડસેલો વ્હાલનો
બીજી કોર કોયલનાં કહેણ
મારા વેરાઈ વેણ ગયાં મૌનમાં રે …

ફાગણિયો ફૂલે ને વ્હાલમજી ડોલે રે
રંગરાજ મારો ને ધરતીને સોહે રે
એ તો મારા જીવતરનો મઘમઘતો માંડવો ને
હેલે ચઢેલી હું વેલ
અરે, અમથી મુઝાઈ ગઈ લાડમાં રે …

— નંદુકુમાર પાઠક