ગોરમા ને પાંચે આંગળીએ પૂજ્યાં
ને નાગલા ઓછાં પડયાં રે લોલ
કમખે દોથો ભરીને કાંઇ ટાંકયાં
ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ

માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ
કે જૂઈના રેલાં દડે રે લોલ
સઇ મારી નેવાનું હારબંધ ટોળું
કે સામટું મોભે ચડે રે લોલ

બાઈ મારે ઉંબરાની મરજાદ
કે ઓરડા ઠેસે ચડયાં રે લોલ
આડેશ પાડોશ ઘમકે વેલ્યું
ને લાપશી ચૂલે ચડી રે લોલ

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી
હું છાનકી વાતું કરું રે લોલ
બાઈ મારે મોભે રે કાગડો બોલે
ને અમથી લાજી મરું રે લોલ

-રમેશ પારેખ