એક વાર યમુનામાં આવ્યું’તુ પૂર
એક વાર મથુરાથી માથે મૂકીને કોઈ
લાવ્યું’તું વાંસળીના સૂર…

પાણી તો ધસમસતાં વહેતાં રહેને એમ
ગોકુળમાં વહેતી થઇ વાતો
આમ કોઇ પૂછે તો કહી ના શકાય અને
આમ કોઈ ભવભવનો નાતો
ફળિયામાં શેરીમાં પનઘટ કે હૈયામાં બાજી રહ્યાં છે નુપુર…

કાંઠે જૂઓ તો સાવ નિરમળિયાં નીર વહે
મઝધારે ભમ્મરિયાં ઝેર
ભીતરના કાળઝાળ નાથ્યાં ભોરીંગ અહો
પલકારે વાળ્યાં રે વેર
ઘેરાતું હોય કંઈક રગરગમાં ઘેન એમ ઘેરી વળે છે તંબૂર…

કાંઠો તો યમુનાનો પૂનમ ગોકુળિયાની
વેણ એક વાંસળીનાં વેણ
મારગ તો મથુરાનો પીંછું તો મોરપીંછ
નેણ એક રાધાના નેણ
એવા તે કેવાં ઓ કૅણ તમે આવ્યાં કે
લઈ ચાલ્યાં દૂર દૂર દૂર..
એક વાર યમુનામાં આવ્યું’તુ પૂર

-માધવ રામાનુજ