પાળિયાની જેમ મારી એકલતા આરડે
ને પાધરની જેમ તમે ચૂપ
વીતેલી વેળમાં હું જાઉં છું સ્હેજ ત્યાં તો
આંખો બે આંસુ સ્વરૂપ
શમણાં તે પંખીની જાત મારા વ્હાલમા
કે ઠાલાં પાણીનો કોઈ કૂપ ?….. પાળિયાની

આંગણામાં પગલાંઓ અંકાયા લાખ છતાં
ધરમાં તો ભમતો ભેંકાર
પીપળાનાં પાંદડાંઓ ખરતાં થયાં ને છતાં
ડાળીને લાગ્યાં કરે ભાર
પડધાના પ્હાડ મને ઘેરીને બોલતા
કે તરણાંની ઓથ લઈ છૂપ…. પાળિયાની..

ચલ્લી થઈને એક તરણુ હું લાવતી
ને ગોઠવું છું નાનકડું નીડ
ભ્રમણાની ભીત ચણી કયાં લગ રે બેસવું
માણસ હોવાની મને ચીડ
આપણે અજાણી એક લાગણી ને લાગણીનાં
ચોર્યાશી લાખ થયાં સ્તૂપ પાળિયાની…

-ચિનુ મોદી

સ્વર :પૌરવી દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા