એક તું વરસે અનરાધાર, ને બીજુ આકાશ…
સચરાચરમાં તારી રટણા ને તારી સુવાસ…

જેવો છું એવો આવીને ઊભો તારી સામે
ધજા સમું ફરફરવું મારે કરવું તારા નામે

મારી સાથે મારાં દુ:ખડા તેડી લેજે માડી
જીવતરને તારું સમજીને ખેડી લેજે માડી

દીવડામાં સૂરજ રોપીને ઊજવું છું અજવાસ…
એક તું વરસે અનરાધાર, ને બીજું આકાશ…

હું ભક્તિ, તું શક્તિ એનો અજબભર્યો સંચાર
અકળ સકળની માયા તું છે તેં જ રચ્યો ંસાર

તું જ હૃદય છે, તું જ સમય છે, તું જ જીત ને હાર
દ્રષ્ટિ તું છે, સૃષ્ટિ તું છે, તું છે તારણહાર

લઈ અજાણ્યા લયનો રસ્તો ઉઘડે મઘમઘ શ્વાસ
એક તું વરસે અનરાધાર, ને બીજું આકાશ…

– અંકિત ત્રિવેદી

સ્વર : પાર્થિવ ગોહિલ
સ્વરાંકન :પુરષોત્તમ ઉપાધ્યાય
સંગીત: ગૌરાંગ વ્યાસ