પૂર્ણ થઇ શીતલ રજની, ને શુષ્ક નિયમનો અંત જડ્યો,
વનવનમાં ઉત્સવ કરવા, મદમસ્ત રજાનો ઘંટ પડ્યો,
ને છુટ્યો વાયરો દક્ષિણથી, કિલ્લોલ કરતો આજે
ડોલ્યા તરુવરને ડોલી વલ્લરી, નવ પલ્લવથી સાજે

આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…
…. આનંદ કેરી લહેરે..

ધરતી માં ની લાડકડીની થઇ ચોમેર વધાઇ
કરિયાવરના લીલા પટોળા રહ્યા બધે પથરાઇ
પંખીડાની સ્વાગત રાગે ગુંજી ઉઠી શરણાઇ
ટહુકે કોયલ સૂર લગાવી,
ઘેલી વસંત આવી રે…
…. આનંદ કેરી લહેરે..

ભીક્ષા યાચે ફુલડે ફુલડે ફરીને ભમરો ન્યારો
પાંખે વાગે ભિખારી કેરો ગુન ગુન ગુન એકતારો
દેતી જ્યાં ત્યાં પાનપાનમાં મસ્તીનો તડકારો
એવું દાન અનેરું લાવી,
ઘેલી વસંત આવી રે…
…. આનંદ કેરી લહેરે..

મધુર એને પગલે પગલે ગુંજે રુમઝુમ ભાષા
સુણી સુતેલા અંતર જાગે છુપી અનોખી આશા
સર્જનહાર ઉમંગે આજે રંગીન રચે તમાશા
નાચે છે નટરાજ નચાવી
ઘેલી વસંત આવી રે…
…. આનંદ કેરી લહેરે..

ગરબો લેતા ઘમ્મર ઘુમે રાત દિવસ રઢિયાળા
વર્ષ તણી પટરાણી કાજે સુંદર ગુંથે માળા
જીવન સાગરમાં છલકાતા રસના ધોધ રૂપાળા
આજ નિરંતર ઉર બહાવી
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…

આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…

– નીનુ મઝુમદાર

સ્વર : ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી
સ્વરાંકન : નીનુ મઝુમદાર