સતનો છું   પક્ષકાર. પણ   સતમારગે   ચાલું  નહીં
કોઇપણ  શરતે  હું  સહમત    મારગે   ચાલું  નહીં

આપને   ફાવે  નહીં,  તો   છોડી   દેજો   આંગળી
શક્ય   છે  હું  કોઇ   નિયત   મારગે   ચાલું   નહીં

બસ, તને મળવું જ લક્ષિત  છે  બધા   વિકલ્પથી
દોડી   લઉં   જ્યારે યથાવત  મારગે   ચાલું   નહીં

મન   વધે   પહેલાં, પછી મનવૃત્તિ વકરી  જાય  છે
સંયમી  થઇ  જો  હું   સંયત   મારગે   ચાલું  નહીં

સાચવી, સંભાળી  પ્હોંચી જાય એ જીતે  છે જંગ
જાણું   છું   કિન્તુ   સલામત   મારગે  ચાલું   નહીં

કેમ     એકાકાર    અંદર-બ્હાર  સંભવતો   હશે ?
જીવી લઉં પણ જળકમળવત્  મારગે  ચાલું  નહીં

-સંજુ વાળા

સ્વરઃ ડો ભરત પટેલ
સ્વરાંકન :ડો ભરત પટેલ