કોરાં કોરાં કોડિયામાં કંઈ મૂકી ભીની વાટ
આવી દિવાળી
અમથું અમથું ઝૂરવું ઘાયલ અમથા રે ઉચાટ
આવી દિવાળી

કોણ કોરીને લાવતું આવા નમણાં દિવસ રાત
મનમાં એવા પ્રગટે દીવા હૈયે માઝમ રાત
આયખું કોડિયું મન માટીનું અંતરની આ વાટ
આવી દિવાળી

દિલમાં દીવો પ્રગટી દિયે આયખાને અજવાળી
તારલિયા ટમ ટમતાં એવાં રાત બને રઢિયાળી
સુખનો સૂરજ લઈને ઉગે સોનેરી પ્રભાત
આવી દિવાળી

-માધવ રામાનુજ

સ્વરઃ કોરસ
સ્વરાંકન : ગોરાંગ વ્યાસ

સૌજન્ય : ગિરીશ પ્રકાશ