મૌન શું છે?

Comments Off on મૌન શું છે?

 
 

 
 

મૌન શું છે? બોલવાની વાત છે,
ભેદ સઘળા ખોલવાની વાત છે.

ત્રાજવાં તારા નહીં તોલી શકે,
બોલ મારા તોલવાની વાત છે.

સાંભળે ના કેમ સર્પો કાન દઈ,
મોરલી પર ડોલવાની વાત છે.

જાત મારી રોજ પૂછે છે મને,
આ બધી કોના થવાની વાત છે.

દર્દની તેં કાલ પણ ના સાંભળી,
આજ તો સાંભળ દવાની વાત છે.

કેમ ના મ્હેકી ઊઠે આખી સભા!
બાગથી વાતી હવાની વાત છે.

“રાજ” આ જૂની કથાઓ યાદની,
ઘાવને કરકોલવાની વાત છે.
 
-રાજ લખતરવી
 

સ્વરઃ મકબુલ વાલેરા
સ્વરાંકન : મકબુલ વાલેરા

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક

Comments Off on હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક

 
 
હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.

લઈ નાંવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક.

સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.

અમે જાળવ્યું છે ઝીણેરાં જતનથી,
મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક !

છે ચણ જેનું એનાં જ પંખી ચૂગે આ,
રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.

નયનથી નીતરતી મહાભાબ મધુરા,
બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.

શબોરોઝ એની મહકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક !
 
-રાજેન્દ્ર શુક્લ
 
સ્વર : પરેશ ભટ્ટ
સ્વરાકંન : પરેશ ભટ્ટ

 
 

ના પ્રાપ્તિ : બસ પ્રેમ

Comments Off on ના પ્રાપ્તિ : બસ પ્રેમ

 
 

 
 

ના પ્રાપ્તિ : બસ પ્રેમ
હો વ્યાપ્તિ પ્રિય, એમ
. શું ઊગમણે?
. શું આથમણે?
સૂરજ દેશે હેમ

. હળિયે મળિયેં
. માર્ગ બદલિયેં
તોય ન જાગે વ્હેમ
. આજુ-બાજુ
. તાજું-તાજું
હોય પુષ્પની જેમ

. આંસુ લૂછો
. કશું ન પૂછો
કશું ન પૂછો : કેમ?
 
-મનોહર ત્રિવેદી
 
સ્વર :ડો. ભરત પટેલ
સ્વરાંકન :ડો. ભરત પટેલ

 
 

આખા નગરની જલતી દીવાલોને

Comments Off on આખા નગરની જલતી દીવાલોને

 
 

 
 

આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.

ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.

વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,
બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે.

એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,
ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે.

સાચું કહું તો તારી લપસણી લટો સિવાય,
વહેતા પવનને ક્યાંય ઉતારો નહીં મળે.

બીજાઓ વાંચે તો ય અદેખાઇ આવશે,
ચીતરું નહીં હું નામ તારું કોઇ પણ સ્થળે.
 
– મુકુલ ચોકસી
 

સ્વર : રાસબિહારી દેસાઈ
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ
 
 

એવું નથી…

Comments Off on એવું નથી…

 
 
એવું નથી ઓ કાળ કે મંથન માં રસ નથી
અમૃત રહ્યું નહીં તો સમંદર મા કસ નથી

દેખાય છે હજી એ મને રણ મા ઝાંઝવાં
દાવો અમસ્તો કેમ કરું કે તરસ નથી

જૂઠા પડે ના ક્યાંક તબીબો ના ટેરવાં
પ્રેમી ની નાડ છે કોઈ મામુલી નસ નથી

લિલી સૂકી તો શૂન્ય છે ચૈતન્ય નું પ્રમાણ
કબરો ના ભાગ્યમાં કોઈ માઠું વરસ નથી
 
-શૂન્ય પાલનપુરી
 

સ્વર : રાસબિહાસરી દેસાઈ
સ્વરાંકન : રાસબિહાસરી દેસાઈ
 
 

Older Entries

@Amit Trivedi