તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો

Comments Off on તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો

 

તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો.mp3

 

તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો
શમણે સંતાઈ ગયો છાનો છંટાઈ ગયો
ફૂલોની ફોરમનું ગીત એક ગાઈ ગયો
ગાઈ ગયો, ગાઈ ગયો.

આકાશી લાલીથી પારસની પ્યાલીથી
પચરંગી અમરત સંતોષ મને પાઈ ગયો
પાઈ ગયો, પાઈ ગયો.
તમને જોયા ને જરા…

દર્શનના દરબારે અધવચ અંજાઈ ગયો
વાંચી મેં આંખડી તો પંજો વંચાઈ ગયો
રસ્તામાં પવન કોઈ વરણાગી વાઈ ગયો
વાઈ ગયો, વાઈ ગયો.
રસ્તે રોકાઈ ગયો…

જંતરના ઝણકારે, પન્નાના પલકારે
ઠકરાતી ઠોકર હું ચાલમાં જ ખાઈ ગયો
ખાઈ ગયો, ખાઈ ગયો.
તમને જોયાને જરા…

શ્રાવણની સરગમથી તડકો ભીંજાઈ ગયો
મારગની વચ્ચે ક્યાં મારગ ઢંકાઈ ગયો
મેહુલીયા મંડપમાં મહુવરીયો છાઈ ગયો
છાઈ ગયો, છાઈ ગયો.

તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો
શમણે સંતાઈ ગયો છાનો છંટાઈ ગયો
ફૂલોની ફોરમનું ગીત એક ગાઈ ગયો
ગાઈ ગયો, ગાઈ ગયો.

-વેણીભાઈ પુરોહિત
 
સ્વરઃ મન્ના ડે અને પ્રીતિ સાગર
સંગીતઃ સુરેશકુમાર
 
ચિત્રપટઃ ગુણસુંદરીનો ઘરસંસાર (૧૯૭૨)

શૂન્યતામાં પાનખર ફરતી રહી

Comments Off on શૂન્યતામાં પાનખર ફરતી રહી

 

શૂન્યતામાં પાનખર ફરતી રહી.mp3

 

શૂન્યતામાં પાનખર ફરતી રહી
પાંદડીઓ આભથી ખરતી રહી

ને પવન નું વસ્ત્ર ભીનું થઇ ગયું
ચાંદનીની આંખ નીતરતી રહી

સૂર્ય સંકોચાઈને સપનું બન્યો
કે વિરહની રાત વિસ્તરતી રહી

મૌનની ભીનાશને માણ્યા કરી
જુલ્ફમાં બસ અંગુલિ ફરતી રહી

હું સમયની રેત માં ડૂબી ગયો
મૃગજળે મારી તૃષા તરતી રહી

તેજ ઊંડાણોમાં ખળભળતું રહ્યું
કામનાઓ આંખમાં ઠરતી રહી

આપણો સંબંધ તો અટકી ગયો
ને સ્મૃતિની વેલ પાંગરતી રહી

આ બધા લાચાર થઇ જોતા રહ્યા
હાથમાંથી જિંદગી સરતી રહી

– આદિલ મન્સૂરી

સ્વર: શ્રુતિ વૃંદ
સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ

કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં

Comments Off on કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં

 

કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે .mp3

 

કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે
તારલીઓ ટોળે વળી નભચોક!
કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે

કે ચંદનીએ વેરેલ તેજનાં ફૂલડાં રે
કે ફૂલડાંની ફોરમ ઝીલે નરલોક:
કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે

કે વ્હાલમની વિલસે વ્હાલપની આંખડી રે
કે એહવું વિલસે ચન્દ્ર કેરું નેણ:
કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે

કે કિરણે કિરણે અમૃત દેવનાં રે
કે એહ જળે હું ય ભરું હૈયાહેલ;
કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે’

 
-કવિ ન્હાનાલાલ
 
સ્વર: ગાર્ગી વોરા અને હિમાલી વ્યાસ નાયક
સ્વારાંકન:અમર ભટ્ટ
 
 

તારો  વિચાર બારીના  પડદે  ઝૂલી  ગયો

Comments Off on તારો  વિચાર બારીના  પડદે  ઝૂલી  ગયો

 

 
તારો  વિચાર બારીના  પડદે  ઝૂલી  ગયો.mp3

 

 
તારો  વિચાર બારીના  પડદે  ઝૂલી  ગયો,
દૃશ્યોનો ભેદ એ  પછી દરિયે  ડૂબી  ગયો.

બે ડાળી વચ્ચે જાણે કે  તડકો  ગુલાબ છે,
મોસમનો  રંગ  કેટલો મીઠ્ઠો  બની  ગયો !

પથ્થરની    જેમ  હાંફતા પીળા  શહેરમાં,
મારા સમયના  મોરનો ટહુકો  તૂટી  ગયો.

આકાશ  આમતેમ   વીખરાઈ  જાય પણ,
એકાદ   સૂર્ય  ઊગવું  આજે  ભૂલી   ગયો.

એકાંતનો  પરિચય    કૈં  એ   રીતે   થયો,
સૂનકાર તારી યાદની જેમ જ ઊગી ગયો !

– શ્યામ સાધુ

સ્વર : કલ્પક ગાંધી
સ્વરાંકન : કલ્પક ગાંધી

સૌજન્ય : પિયુષ દવે , જુનાગઢ

ઢોલ નગારે લોકો ત્રૂઠા

Comments Off on ઢોલ નગારે લોકો ત્રૂઠા

ઢોલ નગારે લોકો ત્રૂઠા,
જલતરંગના ભાયગ રૂઠાં.

સંતુલન આબાદ સાચવ્યું
કાચાં કાવ્યો, પાકાં પૂઠાં!

આંગળીઓ, એનું એ લખશો ?
પકડાવું તમને અંગૂઠા ?

વનપ્રવેશ કરવો શી રીતે ?
પાંચ બાણ ને પાંચે બૂઠાં.

મંદિરો ? કે બાળમંદિરો ?
ગજવે ઘંટ, ભણાવે ઉઠાં !

-ઉદયન ઠક્કર

______________
ત્રૂઠવું= પ્રસન્ન થવું, રીઝવું

Older Entries Newer Entries

@Amit Trivedi