ઉથલાવવાની રાતો; દિવસોને વાંચવાના

Comments Off on ઉથલાવવાની રાતો; દિવસોને વાંચવાના

 

ઉથલાવવાની રાતો; દિવસોને વાંચવાના,
ફાટેલ ક્ષણ લઇને; યુગોને સાંધવાના!
આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના!

સાચું બિછાનું અહીંયા કોને નસીબ થાતું?
ઇચ્છાઓ પાથરીને સપનાઓ ઓઢવાના…
આ જીંદગી જ…

જે આપણે ચહ્યું’તું એ આ કશું તો નહોતું,
જે આપણે ચહ્યું’તું એ ક્યાં જઇને ગોતું
ખોટી પડી હકીકત સાચા પડ્યા બહાના…
આ જીંદગી જ….

શું આપણી ભીતરથી ધ્રુસકે ને ધ્રુસકે રોતું?
શું આપણી ભીતરથી ઉખડ્યું છે મૂળસોતું!
મુળિયા વગરના સંબંધ કાયમ ઉછેરવાના…
આ જીંદગી જ….

નજદીક સાવ તો પણ અંતર વચાળે અંતર
નજદીક સાવ તો પણ રસ્તા રહ્યા સમાંતર
રસ્તાઓ જ્યાં અલગ ત્યાં પગલા શું જોડવાના?…
આ જીંદગી જ….

ખુદને અને પરસ્પર મળતા’તા બેઉ નોખું
સહવાસ લાગે ઝળહળ બળતા’તા બેઉ નોખું.
પોતે સળગતા હો એ બીજું શું ઠારવાના?…
આ જીંદગી જ….

સરખા હતા એ દ્રશ્યો જોતા’તા બેઉ નોખું
વાતાવરણ તો એક જ, શ્વસતા’તા બેઉ નોખું,
અંદરથી સાવ નોખા, બહારે શું તાગવાના?…
આ જીંદગી જ….

રાતો ભરે છે હીબકા દિવસો રડે છે છાના,
હસતી ક્ષણોના ખાલી ફોટા જ પડવાના!
આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના!

– ડૉ. મનોજ જોષી ‘મન’

સ્વર : શૌનક પંડયા
સ્વરાંકન : શૌનક પંડયા

અમેતો જઈશુ અહીંથી

Comments Off on અમેતો જઈશુ અહીંથી

 

અમેતો જઈશુ અહીંથી પણ આ, અમે ઉડાડ્યો ગુલાલ રહેશે (2)

ખબર નથી(૨)શું કરી ગયા એ
કરી ગયા એ કમાલ રહેશે..અમે તો……….
ઓ તાજો તખ્તો તમારી સામે,
અમારૂં શુ મુફલીસો નું ચાલે;(2)
છતાં તમારી(૨) ગુમાની છાતી પર એ અમારી મજાર રહેશે..

મને તો ભેટી રહ્યું છે, દોસ્તો,
હવે આ મ્રૃત્યુ ભુજાઓ ભીડી(૨)
ભુજા ઉઠાવી છતાં આ જીવન,
કહેછે મારી મશાલ. રહેશે..અમે તો….
તમેત્ર છો હાજર જવાબી(2)
હોઠે, ભલે જવાબો હજાર રાખો(2)
તમારી નીદર(2) હરામ કરતો,
અમારો ભૂખ્યો સવાલ રહેશે.
અમેતો ………

સ્વર : રાસબિહારી દેસાઈ

આજની ઘડી તે રળિયામણી

Comments Off on આજની ઘડી તે રળિયામણી

 

આજની ઘડી તે રળિયામણી,
હાં રે ! મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે…..આજની ઘડી

જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે…. આજની ઘડી.

જી રે લીલુડાં વાંસ વઢાવિયા,
હે મારા વ્હાલાજીનો મંડપ રચાવિયે જી રે…. આજની ઘડી.

જી રે પૂરો સોહાગણ સાથિયો,
હે મારો વ્હાલો આવે મલપતો હાથિયો જી રે…. આજની ઘડી.

જી રે જમુનાના નીર મંગાવિયે,
હે મારા વ્હાલાજીના ચરણ પખાળિયે જી રે… આજની ઘડી.

જી રે સહુ સખીઓ મળીને વધાવિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે… આજની ઘડી.

જી રે તન-મન-ધન, ઓવારિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે… આજની ઘડી.

જી રે રસ વાધ્યો છે અતિ મીઠડો,
હે મે’તા નરસિંહનો સ્વામી દીઠડો જી રે….આજની ઘડી.

– નરસિંહ મહેતા

સ્વર: હેમા દેસાઇ
સ્વરાંકન : આશિત દેસાઈ

આ નભ ઝૂક્યું તે કાનજી

Comments Off on આ નભ ઝૂક્યું તે કાનજી

 

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે.
આ સરવર જલ તે કાનજી ને પોયણી તે રાધા રે.

આ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે.
આ નભ o

આ ચાલ્યાં ચરણ તે કાનજી ને પગલી પડે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી ને સેંથી પૂરી તે રાધા રે.
આ નભ o

આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા રે,
આ લોચન મારા કાનજી ને નજરું જુએ તે રાધા રે.
આ નભ o

– પ્રિયકાન્ત મણિયાર

સ્વર : હેમા દેસાઇ

સૂના સરવરિયાને કાંઠડે

Comments Off on સૂના સરવરિયાને કાંઠડે

 

સૂના સરવરિયાને કાંઠડે હું બેડલુ મેલીને ન્હાવા ગઇ…
પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..

હું તો મનમાં ને મનમાં મુંઝાણી મારી બઇ
શું રે કેવુ મારે માવડીને જઇ..
પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..

કેટલુ એ કહ્યું પણ કાળજુ ના કોર્યું
ને ચોરી ચોરીને એણે બેડલુ ચોર્યુ

ખાલીખમ બેડલાથી વળે ના કંઇ
પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..

નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી
ને બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી

દઇ દે બેડલુ મારુ દલડાને લઇ..
પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..

સૂના સરવરિયાને કાંઠડે હું બેડલુ મેલીને ન્હાવા ગઇ…
પાછી વળી ત્યારે બેડલુ નઇ… બેડલુ નઇ.. બેડલુ નઇ..

  • અવિનાશ વ્યાસ

સ્વર : ઐશ્વર્યા મજુમદાર
સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ

Older Entries

@Amit Trivedi