કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

No Comments

 

કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

આકાશ હવે આવડું અમથું નાનકું લાગે
ધરતી હવે જાણે કે પરમાણું લાગે
મન આ મારું ક્યારેક તો ઉખાણું લાગે
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

કેટલાંયે આ શબ્દો જાણે તરણાં જેવાં
આવરું બહાવરું દોડતાં જાણે હરણાં જેંવાં
પહાડથી જાણે દડતાં ઝીણાં ઝરણાં જેવાં
વહી ના શકાય એટલો તને પ્રેમ કરું છું

ખડક થાઉં તોયે હવે તો તારા વિના
રહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું .

– જગદીશ જોશી

સ્વર : આશિત દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ

હા… હા.. એ સહુ કબૂલ કીધું

No Comments

 

વૈશાખે જી – સંજુ વાળા

હા… હા.. એ સહુ કબૂલ કીધું
બધું જ હો સરઆંખે જી
પણ જો.. જો ભૂલાય નહીં રે
દીધું વેણ વૈશાખે જી

મોર-બાપૈયા મૂગા મરશે
દઇ દેતા મનગમતી ચણ
કલબલશે જો કીર તો ખમ્મા
કહી મિચાવી દઉં પાંપણ

      

નહિ લઉં દઉં કોઇ સાખ
ભરોસે ભીતર એવું ભાખે જી
હા… હા.. એ સહુ કબૂલ કીધું
બધુ જ હો સરઆંખે જી

લળી ઢળી ઘનઘોર ઉમળકા
મળવા હો આતુર એ સાંજ
બારી ભેળી વાખી દેશું
પણ નહિ બોલું : ‘રહેજે વાંઝ’
દાડા ગણશું, વાટ નિરખશું


આંખ મૂકી ગવાખે જી
પણ જો.. જો ભૂલાય નહીં રે
દીધું વેણ વૈશાખે જી

  • સંજુ વાળા

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : ડો ભરત પટેલ

એ તને જડશે નહીં થોડાક માં

No Comments

 

એ તને જડશે નહીં થોડાક માં
છે ફકીરો ના ફક્કડ પોશાક માં

એક સમદર પ્રેમ મસ્તીનો ભર્યો
એમની હસ્તી તું ઓછી આંક માં

હે પ્રવાસી કોઈ પૂછશે નહિ તને
શું ભરી લાવ્યો ચરણના થાક માં

ઘર ઉપર નળીયા હતા સારું હતું
થઈ જતું તારું સ્મરણ ચુવાક માં

મૌનનો મહિમા ઘણો મોંઘો પડ્યો
મિત્ર જોશી નિત રહ્યા છે વાંક માં …

– મહેન્દ્ર જોષી

સ્વર : પ્રહર વોરા
સ્વરાંકન : ડો. ભરત પટેલ

રાત રોનક સમા તમારી છે

No Comments

 

રાત    રોનક   સમા   તમારી  છે
મારું   શું   છે?  સભા   તમારી  છે

છે  અમારી   બધી  અફળ ઈચ્છા
જે   ફળી  તે   દુઆ   તમારી   છે

લ્યો !  ઉઠાવો  તરંગ  ફાવે એમ
જળ તમારું   હવા    તમારી   છે

આખરે  આપ   મુક્ત   પંખી  છો
આભ   જેવી   જગા   તમારી  છે

નિત્ય     હોવું       નવનવા    રૂપે
એ   પુરાણી   પ્રથા   તમારી   છે

કાલ   મેં    પ્રેમગ્રંથ  વાંચ્યો ‘તો
પાને   પાને   કથા    તમારી   છે

રાજ   ગિરનાર   છે    એ    સાચું
પણ શિખર પર ધજા તમારી છે

– ‘રાજ’ લખતરવી

સ્વર : મનસુર વાલેરા

સ્વરાંકન : ડો ભરત પટેલ

ખોળ્યાં મેં અવનિ આભ ઘણાં

No Comments

 

ખોળ્યાં મેં અવનિ આભ ઘણાં
કીધાં મેં સાગર પાર ઘણાં

ધીખતા રણ આ કોણે ઘડ્યાં
મને રેતીમાંથી રતન જડ્યાં
દેશ વિદેશ કે પંથ તણાં
એને ભેદ નથી કોઇ ઘર્મ તણાં

હીરા કઠિન આ વજ્ર સમા
મને રેતીમાંથી રતન જડ્યાં
ઝબક્યા હીરા અંધાર ઘણાં
એક દીપક પણ પ્રતિબિંબ ઘણાં

એક જ્યોતમાં લાખ દીવા મેં દીઠાં
મને રેતીમાંથી રતન જડ્યાં

ડો .દિનેશ શાહ

સ્વર: વિજય પ્રકાશ
સંગીત: ઉદય મજમુદાર
પ્રસ્તાવના: મુકેશ જોષી

મારામાં આરપાર સાત સાત દરિયા

No Comments

 

મારામાં આરપાર સાત સાત દરિયા ને દરિયામાં આરપાર તું

પળમાં પળ ગૂંથીને તું વારતા વણે તો એને જીવતરનું નામ દઉં હું
કાળમીંઢ પથ્થરનું ભૂરું પોલાણ મારી લાગણીથી હાથવેંત છેટું
વેદના તો હસતાંએ વેઠી લેવાય આવા સુખને વેઠું તો કેમ વેઠું

પંખીતો કોઈ ને કહેતા નથી કે એણે પીછા માં સાચવ્યું છે શું
મુઠ્ઠી ભરીને વ્હાલ વ્હેંચતા રહો કે ભલે આપણી હથેળીઓ જ ખાલી
દરિયાને પૂછવાનું ટાળજો કે ભાઈ તને ભરતી ગમે કે ઓટ વ્હાલી

આંખોના પોપચામાં સાચવી મૂક્યા છે એને સપના કહું કે કહું શું?

  • ધૃવ ભટ્ટ

સ્વર : જન્મેજય વૈદ્ય

આંખ સામે આંખને જોવુ પડ્યુ

No Comments

 

આંખ સામે આંખને જોવુ પડ્યુ
દિલ લેતા દિલને ખોવુ પડ્યું

ભૂલ કરતા ભૂલ તો મોટી કરી
ભૂલ સાથે સર્વ ને ભૂલવું પડ્યું

રંક હો કે રાંક પણ માનવ બધા
રામ નામે સર્વને જીવવું પડ્યું

બાજ ઊંચે આભ ઉડતુ ઘણું
ધરતી પર તો છેવટે પડવું પડ્યું

  • ભૂપેન્દ્ર વકીલ

સ્વર : શૌનક પંડ્યા અને ફોરમ સંઘવી
સ્વરાંકન : સુનિલ રેવર

Contact Us On WhatsApp @Amit Trivedi