ભૂલી જવાનો હું જ

Comments Off on ભૂલી જવાનો હું જ

 


ભૂલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એ જ તો ભૂલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઈએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ખોબો ભરીને ક્યાંયથી પીવા મળ્યું નહીં
પણ દરિયો મળ્યો છે આમતો ડૂબી જવા મને

ચાલો હસીને વાત કરો, એ જ છે ઘણું,
મંજુર છે સૌ આપની એ આજ્ઞા મને.

ભૂલી જવાની વાત હવે યાદ ક્યાં મને?
તારા લખેલા એટલાં પત્રો મળ્યા મને

થાકી ગયો’તો ખૂબ ના ચાલી શકત જરા
સારું થયું કે લોક તો ઉંચકી ગયા મને

– કૈલાશ પંડીત

સ્વર : આશિત દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ

દર્દને ગાયા વિના રોયા કરો

Comments Off on દર્દને ગાયા વિના રોયા કરો

 

દર્દને ગાયા વિના રોયા કરો,
પ્રેમમાં જે થાય છે જોયા કરો.

બીક લાગે કંટકોની જો સતત,
ફૂલનો સુંઘો નહીં જોયા કરો.

કેમ આવ્યા આ જગે રડતા તમે?
જિંદગી આખી હવે રોયા કરો.

લ્યો હવે ‘કૈલાસ’ ખુદને કાંધ પર,
રાહ સૌની ક્યાં સુધી જોયા કરો?

– કૈલાસ પંડિત

સ્વર : ઓસમાણ મીર

લાગણીની વ્યગ્રતા છે ટેરવાં

Comments Off on લાગણીની વ્યગ્રતા છે ટેરવાં

 

“થઈ શકે તો બસ ઉથલપાથલ કરો,
વનને વસ્તી શહેરને જંગલ કરો;
હો શીદને પત્થર ઉપાડો છો તમે,
પાંપણો ઉંચકો અને ઘાયલ કરો.”

“જ્યાં નિરંતર કોઈનો પગરવ હશે,
ત્યાં પ્રતીક્ષાનો સતત ઉત્સવ હશે.”

લાગણીની વ્યગ્રતા છે ટેરવાં.
બંધ દ્વારોની વ્યથા છે ટેરવાં.

શક્યતા સબંધની એમાં હશે,
એક બારીની જગા છે ટેરવાં.

આંખમાં ભીનાશ જે ઉભરી હતી,
એ બધી યે પી ગયાં છે ટેરવાં.

ભેદ જ્યાં જાણ્યો હથેળીનો પછી,
સાવ મુંગા થઈ ગયાં છે ટેરવાં.

-કૈલાસ પંડિત

સ્વર : શેખર સેન

@Amit Trivedi