“થઈ શકે તો બસ ઉથલપાથલ કરો,
વનને વસ્તી શહેરને જંગલ કરો;
હો શીદને પત્થર ઉપાડો છો તમે,
પાંપણો ઉંચકો અને ઘાયલ કરો.”

“જ્યાં નિરંતર કોઈનો પગરવ હશે,
ત્યાં પ્રતીક્ષાનો સતત ઉત્સવ હશે.”

લાગણીની વ્યગ્રતા છે ટેરવાં.
બંધ દ્વારોની વ્યથા છે ટેરવાં.

શક્યતા સબંધની એમાં હશે,
એક બારીની જગા છે ટેરવાં.

આંખમાં ભીનાશ જે ઉભરી હતી,
એ બધી યે પી ગયાં છે ટેરવાં.

ભેદ જ્યાં જાણ્યો હથેળીનો પછી,
સાવ મુંગા થઈ ગયાં છે ટેરવાં.

-કૈલાસ પંડિત

સ્વર : શેખર સેન