આછા આછા રે વાદળમાં ઘાટી કુંજડિયુની હાર

Comments Off on આછા આછા રે વાદળમાં ઘાટી કુંજડિયુની હાર

 

આછા આછા રે વાદળમાં ઘાટી કુંજડિયુની હાર
ઝંખો એકાદો છાંટો ને ત્યાં તો વરસે અનરાધાર

ભીનાં ભીનાં વાયક થઈને કોણ ફરીથી આવે સૈયર
લીલી છમ્મ ઈચ્છાનો ઉઘાડ કોણ ફરીથી લાવે સૈયર

ઉઘડે જુગ જુગની ઓળખનો
જાંખો નજરું નો અણસાર

સોળ કળાનું અજવાળું થઈ કોણ ફરી ઝળહળતું સૈયર
લાગણીઓના પૂર થઈ કોણ ફરી ખળખળતું સૈયર

વાગે ઓલીકોર વાંસળિયુ
વાગે શરણાયું આ પાર

આછા આછા રે વાદળમાં ઘાટી કુંજડિયુની હાર

-લાલજી કાનપરીયા

સ્વર : રવિન નાયક
સ્વરાંકન : રવિન નાયક

હૃદયમાં વધી રહી છે ઘેરી ઉદાસી

Comments Off on હૃદયમાં વધી રહી છે ઘેરી ઉદાસી

 

હૃદયમાં વધી રહી છે ઘેરી ઉદાસી પળેપળ ગઝલ જાણે મહેંદી હસનની,
અને સાંજટાણાનું ધુમ્મસ છે ઝાંખું કે વિહ્વળ ગઝલ જાણે મહેંદી હસનની.

આ ઘોંઘાટ, કલરવ વિનાનું ગગન, મ્લાન ટોળાં અને પાળિયાઓની વસ્તી,
મને એકલો છોડી નીકળી ગઈ ખૂબ આગળ ગઝલ જાણે મહેંદી હસનની.

અભિનય કર્યો જિંદગીએ ઘણો પણ અહીં પ્રેક્ષાગારો તો શબઘર સમાં છે,
કે ચીતરેલા શ્રોતાઓ સામે ગઈ હોય નિષ્ફળ ગઝલ જાણે મહેંદી હસનની.

મળી વારસામાં ફક્ત વેદનાઓ છતાં જાળવી એને વાજિંત્ર પેઠે,
મૂકી આવી બેચેન સુરીલી પેઢીઓ પાછળ ગઝલ જાણે મહેંદી હસનની.

બનારસ ના ઘાટે હું ઊભો રહીને નિહાળું છું મારી ચિતા નો ધુમાડો
વહેતુ ગંગામાં મારી કવિતાના કાગળ જાણે ગઝલ મહેંદી હસન

-ભગવતીકુમાર શર્મા

સ્વર : રાસબિહારી દેસાઈ
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ

@Amit Trivedi