કઈ તરકીબથી

No Comments

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
કૂંપળની પાંસે શું કુમળી કોઈ હથોડી છે?

સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે,
હું નથી માનતો આ ચન્દ્ર તો ગપોડી છે.

તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાત-ચીતની હલ્લેસાં સભર હોડી છે.

ગઝલ કે ગીત ને વારાફરતી પહેરે છે,
કવિ પાસે શું વસ્ત્રોને બે જ જોડી છે?

-ઉદયન ઠક્કર

સ્વર : શ્યામલ સૌમિલ મુનશી
સ્વરાંકન : શ્યામલ સૌમિલ મુનશી

તું કૌરવ, તું પાંડવ :મનવા !

No Comments

તું કૌરવ, તું પાંડવ :મનવા !તું રાવણ, તું રામ !
હૈયાના આ કુરૂક્ષેત્ર પર પળપળનો સંગ્રામ !

કદી હાર કે જીત : કદી તું તારાથી ભયભીત;
કદીક પ્રકટે સાવ અચિંતુ સંવાદી સંગીત,

ભીષણ તું તાંડવમાં : મંજુલ લાસ્ય મહીં અભિરામ ;
તું કૌરવ, તું પાંડવ : મનવા ! તું રાવણ, તું રામ !

ફૂલથી પણ તું કોમળ ને તું કઠોર જાણે પ્હાણ ;
તું તારૂં છે બંધન, મનવા ! તું તારું નિર્વાણ !

તું તારો શત્રુ ને બાંધવ : તું ઉજ્જવલ : તું શ્યામ !
તું કૌરવ, તું પાંડવ : તું રાવણ, તું રામ !

-અવિનાશ વ્યાસ

સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

સઘળું અંતર પળ મહીં કાપી શકું

No Comments

સઘળું અંતર પળ મહીં કાપી શકું
અર્ધા ડગલામાં બધું માપી શકું

એક એવી ચોપડી કરવી હજી
સંઘરેલું મૌન જ્યાં છાપી શકું

એક આ તાજા ગઝલની અંજલિ
કોઈને બીજું તો શું આપી શકું

એક ગઝલ ‘આદિલ’ જરા અંગત અને
કોઈ સન્મુખ હો તો આલાપી શકું ‘

-આદિલ મન્સૂરી

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ

બહુ એ ના કહી દિલને છતાં

No Comments

આકાશમાં સુરાહી કોઈના હાથથી ઢોળાઈ ગઈ
ને આભની ધરતી બધી મદીરા થકી છલકાઈ ગાઈ

પકડી ક્ષીતીજની કોરને સુરજ ઊગ્યો ચકચુર થઈ
રજની બિચારી શું કરે ચાલી ગઈ મજબુર થઈ

એ ચાલી ગયેલી રાત આવી મહેબુબાના દ્વાર પર
જ્યારે મહેબુબાની આંગળી રમતી હતી સિતાર પર

એ રાત ને એ મહેબુબા બેસી ગયા મહેફિલ ભરી
બંને મળીને પી ગયા કોઈની સુરાહી દિલ ભરી

એ મહેબુબા ચક્ચુર છે ને રાત પણ ચકચુર છે
પણ દિલ નથી આ દિલ માં બાકી બધું ભરપુર છે

બહુ એ ના કહી દિલને છતાં મહોબ્બત કરી બેઠું
અરે કમબખ્ત મારી રહી સહી ઈજ્જત હરી બેઠું

પુછ્યું મે આ કર્યું તેં શું મને અણજાણ રાખી ને
તો કહે જુઠું હતું તે સહેજ માં હકિકત બની બેઠું

રહું હું એને જોઈ ને તો એ કોઈને જોઈ ઝુંરતું
જરી જોવા ગયો રૂપને તો ઝટ ઘુંઘટ ધરી બેઠું

કહ્યું મ્હેં મન ભ્રમર ને ઊડ નહીં તું એ ચમન ઊપર
રુંધે જે પ્રાણ એનીજ એ જઈ ખિદમત કરી બેઠું

બહુ એ ના કહી દિલને છતાં મહોબ્બત કરી બેઠું

– અવિનાશ વ્યાસ

સ્વર : સી. આનંદ કુમાર

@Amit Trivedi