અમને કોની રે સગાયું

Comments Off on અમને કોની રે સગાયું

અમને કોની રે સગાયું આજ સાંભરે
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે
કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો
આઘે લેર્યુંને આંબી કોણ ઊઘડે
અમને કોની રે સગાયું આજ સાંભરે

આજ ખોંખારા ઊગે રે સૂની શેરીએ
ચલમ તણખા ઊડે રે જૂની ધૂણીએ
અમને દાદા દેખાય પેલી ડેલીએ…. અમને

માડી વાતું રે વાવે આ ઉજ્જડ ઓટલે
ખરતાં હાલરડાં ઝૂરે રે અધ્ધર ટોડલે
ઊંચે મોભને મારગ કોણ ઊતરે    ….. અમને

કોઈ કૂવા રે ગોડાવો, કાંઠે બાગો રોપાવો,
આછા ઓરડીયા લીંપાવો ઝીણી ખજલિયું પડાવો
આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ..
અમને સાચી રે સગાયું પાછી સાંભરે

-દલપત પઢિયાર

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ

સાધો, તંબૂર પણ તરફડશે

Comments Off on સાધો, તંબૂર પણ તરફડશે

 સાધો, તંબૂર પણ તરફડશે
ભજનના એક જ ઘૂંટડા સારુ હરિ ઘૂંટણિયે પડશે.

મદિરા ભેગું મુરશિદ તેં
એવું શું દીધું પાઈ,
સાકી ને સાખીમાં અમને
ભેદ દીસે ના કાંઈ;
ભગતિનો પરસેવો સૂંઘી લીલાપુરુષ લડખડશે.

ખર્યા પાંદ પર દિકપાલે
બેસાડ્યા ચોકીપ્હેરા,
કરે ઠેકડી એક જ હળવી
મલયપવનની લ્હેરા;
ફરી વળગશે દીંટે જો હડફેટે સંતન ચડશે

-હરીશ મીનાશ્રુ

સ્વર : નિધિ ધોળકિયા
સ્વરાંકન : ડો. ભરત પટેલ

તે છતાં મારી તરસ

Comments Off on તે છતાં મારી તરસ

તે છતાં મારી તરસ તો ક્યાં કદી છીપી હતી,
આમ ઊભાઊભ મેં આખી નદી પીધી હતી.

પાંદડા ભેગાં કરીને જેમ દરજીડો સીવે,
એમ મેં તૂટી ગયેલી કૈંક ક્ષણ સીવી હતી.

આભ આખું એકદમ તૂટી પડ્યું તો શું થયું?
વેદના વરસાદની માફક અમે ઝીલી હતી.

ટ્રેન ઊભી હોય શબવત્ રાહમાં સંકેતની,
જિંદગી આખીય મારી એ રીતે વીતી હતી

ત્યારથી હું હર સમય મારા નશામાં હોઉં છું,
શૂન્યતાની એક પ્યાલી એમણે દીધી હતી.

-હર્ષ બ્રહ્મભટ્ટ

સ્વર : આલાપ દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ

Newer Entries

@Amit Trivedi