હાં રે હરિ વસે

No Comments

હાં રે હરિ વસે

હાં રે હરિ વસે હરિના જનમાં
હાં રે તમે શું કરશો જઈ વનમાં

ભેખ ધરીને તમે શીદ ભટકો છો?
પ્રભુ નથી વન કે અરણ્યમાં

તમે કાશી જાઓ ગંગાજી નાઓ
પ્રભુ નથી પાણી કે પવનમાં

જોગ કરો ને ભલે જગન કરાવો
પ્રભુ નથી હોમ હવનમાં

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર
હરિ વસે છે હરિજનમાં

-મીરાંબાઈ

સ્વર : હંસા દવે
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

એકવાર યમુનામાં આવ્યુંતું પૂર

No Comments

એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર,
મથુરાથી એકવાર માથે મુકીને કોઈ લાવ્યું’તું વાંસળીના સૂર…

પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો;
એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને એમ કોઈ ભવભવનો નાતો,
ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં, બાજી રહ્યા છે નુપૂર… એકવાર યમુનામાં…

ઝુકેલી ડાળી પર ઝુક્યું છે આભ કંઈ, જોવામાં થાય નહીં ભૂલ;
એવું કદંબવૃક્ષ મહેંકે છે ડાળી પર, વસ્ત્રો હશે કે હશે ફૂલ,
પાણી પર અજવાળું તરતું રહે ને એમ, આંખોમાં ઝલમલતું નૂર… એકવાર યમુનામાં…

કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળીયાની, વેણ એક વાંસળીના વેણ;
મારગ તો મથુરાનો, પીંછુ તો મોરપિચ્છ, નેણ એક રાધાના નેણ,
એવા તો કેવા ક’હેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર… એકવાર યમુનામાં…

– માધવ રામાનુજ

સ્વર : પરેશ ભટ્ટ
સ્વરાંકન : પરેશ ભટ્ટ

મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી

No Comments

મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી,
એને વરસંતા લાગે છે વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !

મળવા આવે ત્યારે બોલે ના કાંઇ
એના શ્વાસોમાં વાગે શરણાઇ
આઘે રહીને વ્હાલ વરસાવે વ્હાલમા
લાગે કે નખશિખ ભીંજાઇ

મારો પીયુજી હૈયાનો હાર,
એને વરસંતા લાગે છો વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !

મારો સાહ્યબો અષાઢીલો મેઘ…

ઉપરથી લાગે છે કોરોધાકોર
એની ભીતર ઘેરાતું આકાશ
આષાઢી અણસારો ઓળખતા આવડે તો
ચોમાસુ છલકે ચોપાસ

ગમે એના વિના ના લગાર
એને વરસંતા લાગે છો વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !

મારો સાહ્યબો અષાઢીલો મેઘ…

-તુષાર શુકલ

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : ડો ભરત પટેલ

હાં રે માં આરાસુરથી આવ્યાં

No Comments

હાં રે માં આરાસૂરથી આવ્યા
આવ્યા મારે આંગણે માં ખમ્મા ખમ્મા

સૂર તેજ માને નેણલે ચમકે
ચંદાની શીલી છાય છલકે
નવલખ તારાના મોતી માંની વાણીથી ઝરે
આવ્યા મારે આંગણે માં ખમ્મા ખમ્મા

દૂર દૂરથી માં ચોક માં ઊતર્યા
ઝુકી ઝુકી ને માં ગરબે ઘુમતા
રણઝણ ઝાંઝર વાગે ઢોલીના તાલે તાલે
આવ્યા મારે આંગણે માં ખમ્મા ખમ્મા

તાળી દૈ માડી ફરે ગોળ ફુદડી
વાયરે ઊડે એની લાલ ચટક ચૂદડી
ઝગમગ જ્યોતીની સેર સોના દિવડી યે સેજ
આવ્યા મારે આંગણે માં ખમ્મા ખમ્મા

– મેઘલતા મહેતા

સ્વર : હેમા દેસાઈ
સ્વરાંકન : વિક્રમ પાટીલ
સંગીત : આશિત દેસાઈ

પહેલા વરસાદમાં ભીનાં થયા ને

No Comments

પહેલા વરસાદમાં ભીના થયા ને કાંઈ ઉઠ્યા રે ઝીણા તોફાન
કે અમે હાથવગા ખોયા રે ભાન

વહેતા પાણીમાં જઈ છબછબીયા કરીએ તો ય પગના તળિયા રહે કોરા
નેવાની ધારધાર એવી લાગે કે ઉભા હારબંધ શેરી ના છોરા
એક એક છાંટો આ એવો લાગે કે કોઈ તાકતુ હો દૂરથી નિશાન

લીલીછમ આંખોથી લીલાછમ ટેરવાએ સંભાળ્યો લાગણીનો દોર
ભીના આ હોઠ વચ્ચે આવીને કોઈ કહો કરતું આ જીણો કલશોર
આખી આ સીમ હવે એવી મલકાય જાણે ગાતી હો વાલમ ના ગાન

-વંચિત કુકમાવાલા

સ્વર : નિધી ધોળકિયા અને નિગમ ઉપાધ્યાય
સ્વરાંકન : ડો ભરત પટેલ

Contact Us On WhatsApp @Amit Trivedi