કોઈ ખોવાયા ગીતનો જડે અંતરો

Comments Off on કોઈ ખોવાયા ગીતનો જડે અંતરો

રવિન નાયક

કોઇ ખોવાયા ગીતનો જડે અંતરો તમે એમ જડયા છો,
આપમેળે સૂર ઉમટે તમે હોઠની ઉપર એમ ચડયા છો.

એમ તો અમે નીરખ્યું હતું
સાંજને સમે સૂરનું આખું ગામ,
ગામને કશી ગમ નહીં ને
ગણગણે બસ ગમતું એક નામ;

સીમમાં ખેતર કયારડે રેલા જળના દડે એમ દડયા છો !
કોઇ ખોવાયા ગીતનો અંતરો જડે તમે એમ જડયા છો.

આપણું એમાં કંઇ ન ચાલે
દીપ કહે તો દીપ ને કહે તો થાવું ધૂપ,
એમને કારણ ગીત ગાવાનું એમને કારણ
તાલ દેવાનો આપણે કારણ ચૂપ;

રોજ સવારે જોઇને ઝાકળ પૂછવું કોને આટલું બધું શીદ રડયા છો ?
કોઇ ખોવાયા ગીત નો અંતરો જડે તમે એમ જડયા છો.

-હર્ષદ ત્રિવેદી

સ્વરઃ રવિન નાયક
સ્વરાંકન :રવિન નાયક

સૌજન્ય : ભવન્સ અંધેરી

હાથે કરીને તમે અજવાળાં માગ્યાં

Comments Off on હાથે કરીને તમે અજવાળાં માગ્યાં

વિનોદ જોશી

હાથે કરીને તમે અજવાળાં માગ્યાં
હવે અંધારાં બાર ગાઉ છેટાં

આમ તો પરોઢ સાવ પોચું કે
ઝાકળની પાનીએ ય પડે નહીં છાલાં
પાંદડીએ પાંદડીમાં ઝૂલે આકાશ
અડે મખમલિયા વાયરાઓ ઠાલા
સૂરજનાં કિરણોની આંગળિયે નીકળેલ
સપનાના હોય નહીં નેઠા

મહેંદીની ભાત હોય, ઘાટી મધરાત હોય
અંજળ ની વાત હોય છાની
સોનેરી સેજ હોય, રૂપેરી ભેજ હોય
ભીતરમાં કેદ હોય વાણી
હાથ વગા ઓરતાને ઝંઝેડી સાવ તમે
ઉઘાડી આંખ કરી બેઠાં

-વિનોદ જોશી

સ્વર : ડૉ સાવની દિવેટિયા શાહ
સ્વરાંકન :માલવ દિવેટિયા
સૌજન્ય : ભવન્સ

નામ તમારું લખ્યું હજી ત્યાં

Comments Off on નામ તમારું લખ્યું હજી ત્યાં

 


 

માલવ દિવેટિયા

નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ
ઝળઝળિયાં ની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ,

સુખ ની ઘટના લખું તમોને
ત્યાં દુઃખ કલમ ને રોકે

દુઃખ ની ઘટના લખવા જાઉં
ત્યાં હૈયું હાથ ને રોકે

છેકાછેકી કરતાં કરતાં પૂરો થઇ ગયો કાગળ
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ

અમે તમારાં અરમાનો ને
ઉમંગ થી શણગાર્યા

અમે તમારાં સપનાં ઓ ને
અંઘારે અજવાળ્યાં

તોય તમારી ઇચ્છા મુજથી દોડે આગળ આગળ
ઝળઝળિયાં ની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ

-મેધબિંદુ

સ્વર : કલ્યાણી કૌઠાલકર
સ્વરાંકન : માલવ દિવેટિયા

સૌજન્ય : ભવન્સ

@Amit Trivedi