સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ

2 Comments

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?
જીવવા માટે બહાનું જોઈએ.

એક જણ સાચું રડે તો બહુ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?

એક પરપોટો ઘણો સુંદર હતો,
પણ હવાને ચાલવાનું જોઈએ.

સીમમાંથી ઘર તરફ પાછા જતાં,
આ ક્ષણે પંખી મજાનું જોઈએ.

વાટ વચ્ચે લૂંટશે અધવચ તને,
જીવ, તારે ચોરખાનું જોઈએ.

આંસુ જ્યાં થીજી ગયેલાં હોય છે,
સાંભરણ એવી જગાનું જોઈએ.

તું કહે ત્યાં આવશે ‘ઈર્શાદ’ પણ,
એક ઢેફું આ ધરાનું જોઈએ.

– ચિનુ મોદી

સ્વર : પરેશ નાયક, માલિની પંડિત નાયક
સ્વરાંકન : પરેશ નાયક

આંસુઓની ધાર…

4 Commentsકુતુબ આઝાદ

આંસુઓની ધાર બીજું કંઈ નથી
ગુપ્ત છે અંગાર બીજું કંઈ નથી.

મોત સામે જિંદગીની દોડ છે
શ્વાસ ની વણઝાર બીજું કંઈ નથી.

દોસ્તોની દોસ્તીની ભેટ છે
પીઠ પાછળ વાર બીજું કંઈ નથી.

જિંદગીભર શોધીએ ને ના મળે
જિંદગી નો સાર બીજું કંઈ નથી.

દિલના દ્વારો ખોલવાની વાત છે
મંદિરોના દ્વાર બીજું કંઈ નથી .

દર્દ બસ વધતું રહે વધતું રહે
પ્યાર નો ઉપચાર બીજું કંઈ નથી

-કુતુબ આઝાદ

સ્વર :ગાર્ગી વોરા
સ્વરાંકન : ડો. ભરત પટેલ

શબરીએ બોર – ગાર્ગી વોરા

2 Comments

શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?
એણે જીભે તો રાખ્યા’તા રામને !
એક પછી એક બોર ચાખવાનું નામ લઇ,
અંદરથી ચાખ્યા’તા રામને.
શબરીએ બોર……..

બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના કાંટા
જરૂર એને વાગ્યા હશે,
લાલ લાલ લોહીના ટશિયા ફૂટીને પછી
એક એક બોરને લાગ્યા હશે,
આંગળીથી બોર એણે ચૂંટયા’તા ક્યાં?
લાલ ટેરવેથી પૂજ્યા’તા રામને
શબરીએ બોર…….

રોમ રોમ રાહ જોતીઆંખો બિછાવીને,
કેટલીયે વાર એણે તાકી હશે?
રામરામ રાત દિ કરતાં રટણ,
ક્યાંક આખરે તો જીભ એની થાકી હશે?
હોઠેથી રામ એણે સમર્યા’તા ક્યાં?
ઠેઠ તળિયેથી ઝંખ્યા’તા રામને.

શબરીએ બોર….

-વિશનજી નાગડા

સ્વર :ગાર્ગી વોરા
સ્વરાંકન :પુરૂષોત્તમ ઉપાધ્યાય

@Amit Trivedi