બંસીના સૂર તમે છેડો જો કા’ન, મારા કાનોમાં મધનો વરસાદ જો,
એક મનગમતો જન્મે ઉન્માદ જો…

છલકયાં ને કીધું મેં ગોકુળીયું ગામ અને મલકયાંનું કાલિંદી નામ,
છલકયાં ને મલકયાં નો સરવાળો કીધો, તો પ્રગટ્યા’તા પોતે ઘનશ્યામ,
પ્રગટીને પનઘટ પર પ્રીતીનો પાડયો’તો કા’ન તમે મીઠેરો સાદ જો…

બંસી જેવા જ તમે પાતળીયા શ્યામ અને હળવા કે પાંપણનો ભાર,
એક એક હૈયામાં કેવા વસો છો ને રાખો છો સૌની દરકાર,
કા’ન તણા કામણને બીરદાવું કૈ રીતે મનમાં જન્મે છે વિવાદ જો…

રાધાની આંખ મહી કા’નાનો પ્રેમ અને કા’નાની કીકીમાં રાધા,
જ્યાં લગ ઓ શ્યામ તમે જાકારો ના દો ને ત્યાં લગ છે રહેવાની બાધા,
કા’ન તમે મારૂ એ અણપ્રગટયું ગીત હવે ગોકુળીયું દેશે રે દાદ જો…
 
– દિલીપ રાવળ
 
સ્વર : સ્તુતિ કારાણી
સંગીત :સુગમ વોરા