એક  મુઠ્ઠી   ગુલાલ   આપું  છું,
લે,  ગુલાબી  ધમાલ  આપું  છું.

મેં   મને  સાચવી  ઘણાં  વર્ષો,
પણ તને અબ્બીહાલ આપું છું.

આપજે   એક   રંગમાં   ઉત્તર,
સપ્તરંગી   સવાલ    આપું   છું.

તું  મને  લયની પાર લઇ જાજે,
હું  તને   સૂર  તાલ   આપું  છું.

હાથ   ફેલાવ   સામટું  લઇ  લે,
ફાંટ બાંધીને  વ્હાલ  આપું  છું.
 
– પારૂલ ખખ્ખર

 
સ્વર : ગાર્ગી વોરા
સ્વરાકંન :ડો. ભરત પટેલ