વરસાદ તરફથી કવિઓ માટે બે શબ્દો …

વરસું નહીં તો એને વાંકુ પડે ને પડું ધોધમાર તોય પડે વાંધો
પીડાની ફાટેલી છત્રી લઈ ફરતા એ કવિઓને ક્યાં ક્યાંથી સાંધો ?

માન્યું કે એમને બહુ દાઝે છે પેટમાં પણ નિયમો તો પાળવા પડે જ ને?

એમાં તો કંજૂસ કહી ખરડી નાંખે છે જુઓ આખા વરસાદની ઈમેજને

કવિઓને વાદળોનો સરખો સ્વભાવ એને બાંધો તો કઈ રીતે બાંધો ?
વરસું નહીં તો એને વાંકુ પડે ને પડું ધોધમાર તોય પડે વાંધો ….

પોતિકા હોય એને વ્હાલ કરી લઈએ ને સૌને ક્યાં ધુમ્બો મરાય છે ?
ઉકળી ઉકળીને વરાળ બની જઈએ ને ત્યારે ચોમાસુ થવાય છે

કવિઓ ને વાદળ તો આમ જ વરસે તે મૂકો આંધણ ને લાપસીયું રાંધો

વરસું નહીં તો એને વાંકુ પડે ને પડું ધોધમાર તોય પડે વાંધો ….
 
-કૃષ્ણ દવે