નીરખને તું ગગનમાં તો અહીં ત્યાં ને બધે હું છું;
મને ધારી લે મનમાં તો અહીં ત્યાં ને બધે હું છું.

મને ચશ્માની માફક પ્હેરવાનું છોડી દો મિત્રો;
મને આંજો નયનમાં તો અહીં ત્યાં ને બધે હું છું.

મને મળવામાં તારી જાત નડતી આડી પથ્થર જેમ;
પીગળશે તું પવનમાં તો અહીં ત્યાં ને બધે હું છું.

અષાઢી સાંજના વરસાદનો છાંટો ઝીલ્યો ત્યારે-
મને લાગ્યું જીવનમાં તો અહીં ત્યાં ને બધે હું છું.

તને કોણે કહ્યું કે હું સરળતાથી નથી મળતો?
પ્રવેશી જો કવનમાં તો અહીં ત્યાં ને બધે હું છું.
 
– મનોજ ખંડેરિયા