સારું આકાશ એક હીંડોળાને ખાટ,
એમાં ઝૂલે મારી જગદંબા માત,
હીંડોળાને ખાટ.

દસે દિશાએ એનો હીંચકો રે ઝૂલતો,
એનું રૂપ છે અનુપ તો વિરાટ
હીંડોળાને ખાટ.

ચાંદા ને સૂરજના કડલે ટીંગાડ્યો
કિરણોની સાંકળનાં બંધે બંધાયે
એની એક ઝોક અડે જઇને અજવાળી રાતને
બીજી ઝોક અડતી પ્રભાત.
હીંડોળાને ખાટ.

દૈવિ હીંડોળાને દોરી કોઇ હીંચતું
જાણે કોઇ લોચન ઉઘાડતું ને મીંચતુ.
ઇન્દ્રધનુષ કેવું અંગ બાંધ્યું ફમતડૂ
જેને સાત સાત રંગની ભાત
હીંડોળાને ખાટ.

 
-અવિનાશ વ્યાસ
 
સ્વર : સાગર રાઠોડ
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ