ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી .mp3
 
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી

ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી
એ જી સાંભળે વેદનાની વાત, વેણે રે વેણે હો સત ફૂલડાં ઝરે હો જી

બહુ દિન ઘડી રે તલવાર, ઘડી કાંઈ તોપું ને મનવાર
પાંચ-સાત શૂરાના જયકાર કાજ ખૂબ ખેલાણા સંહાર
હો એરણ બહેની
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી

પોકારે પૃથ્વીના કણ કણ કારમા હો જી
પોકારે પાણીડાં પારાવારનાં હો જી

જળ થળ પોકારે થરથરી, કબરુંની જગ્યા રહી નવ જરી
ભીંસોભીંસ ખાંભીયું ખૂબ ભરી, હાય તોય તોપું રહી નવ ચરી
હો એરણ બહેની
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી

ભઠ્ઠીયું જલે રે બળતા પો’રની હો જી
ધમણ્યું ધમે રે ધખતા પો’રની હો જી

ખન ખન અંગારે ઓરાણા, કસબી ને કારીગર ભરખાણા
ક્રોડ નર જીવંતા બફાણા, તોય પૂરા ટોટા નવ શેકાણા
હો એરણ બહેની
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી

હથોડા પડે રે આજ જેના હાથના હો જી
તનડાં તૂટે રે આ જેની કાયનાં હો જી

સોઈ નર હાંફીને આજ ઊભો, ઘટડામાં ઘડે એક મનસૂબો
બાળ મારાં માગે અન્ન કેરી દેગ, દેવે કોણ-દાતરડું કે તેગ
હો એરણ બહેની
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી

આજુથી નવેલાં ઘડતર માંડવા હો જી
ખડ્ગખાંડાંને કણકણ ખાંડવા હો જી

ખાંડી ખાંડી ઘડો હળ કેરા સાજ, ઝીણી રૂડી દાતરડીનાં રાજ
આજ ખંડે ખંડમાં મંડાય, એણી પેરે આપણ તેડાં થાય
હો એરણ બહેની
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી

ઘડો હો બાળક કેરાં ઘોડિયાં હો જી
ઘડો હો વિયાતલ નારના ઢોલિયા હો જી

ભાઈ મારા, ગાળીને તોપગોળા, ઘડો સઈ-મોચીના સંચ બહોળા
ઘડો રાંક રેંટુડાની આરો, ઘડો દેવ તંબૂરાના તારો
હો એરણ બહેની
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી

ભાંગો, હો ભાંગો, હો રથ રણજોધના હો જી
પાવળડાં ઘડો, હો છોરુડાંનાં દૂધનાં હો જી

ભાઈ મારા લુવારી ભડ રહેજે, આજ છેલ્લી વેળાના ઘાવ દેજે
ઘાયે ઘાયે સંભારજે ઘટડામાં, ક્રોડ ક્રોડ શોષિતો દુનિયાનાં
હો એરણ બહેની
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી
 
– ઝવેરચંદ મેઘાણી
 
સ્વર : બંસરી ભટ્ટ, ધ્રુવ ભટ્ટ અને અતુલ દેસાઈ