સાંજ સમે શામળિયો વ્હાલો વૃંદાવનથી આવે રે
આગળ ગૌધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે રે

મોર મુકુટ શિર સુંદર ધરિયો, કાને કુંડળ લહેકે
પહેર્યા પીતાંબર ફૂલની પછેડી, ચૂવા ચંદન મહેકે
સાંજ સમે શામળિયો…….

તારામંડળમાં જેમ શશિયર શોભે, હેમે જડિયો હીરો
તેમ ગોવાળામાં ગિરીધર શોભે, હરિ હળધરનો વીરો
સાંજ સમે શામળિયો……..

વ્હાલાજી નું રૂપ હૃદયમાં વસીયું, મનડું તે ધસીયું મારું
આળ કરી આલિંગન દીધું, તનમન મુખ પર વારુ
સાંજ સમે શામળિયો……..

વ્હાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વીણ કેમ રહીએ,
નરસૈયા ચા સ્વામીની શોભા, નીરખી નીરખી હરખીએ
સાંજ સમે શામળિયો…….
 
-નરસિંહ મહેતા
 
સ્વરઃ આલાપ દેસાઇ
સ્વરાંકન : માલવ દિવેટિઆ