તારે જ હાથે ઘાવ, મુકદ્દરની વાત છે !
મારો વળી બચાવ, મુકદ્દરની વાત છે !

જેને નજર કિનારો ગણીને હસી રહી,
ડૂબી છે ત્યાં જ નાવ, મુકદ્દરની વાત છે !

મહેફિલમાં દિલની ધડકનોને ગણગણી તો જો,
પૂછે ન કોઈ ભાવ, મુકદ્દરની વાત છે !

આદમનું સ્થાન જેણે નકારી દીધું હતું,
એણે કહ્યું કે ‘ આવ ‘ મુકદ્દરની વાત છે !

ફરિયાદ ખાલી જામની પણ મેં કરી નથી,
આવો સરસ સ્વભાવ! મુકદ્દરની વાત છે !

‘મનહર’ હું સ્વપ્નમાંય નથી કોઈ ને નડ્યો,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે .
 
-મનહરલાલ ચોકસી

 
સ્વર : રાજીવ વ્યાસ
સંગીત: દિવ્યેશ પટેલ