સુખ અને દુઃખ બેયથી જો પર થવાશે,
જિંદગી જલસો ગણીને તો જીવાશે.

જો મળે પથરાળ પથ તો જળ વિચારે,
આ બહાને આજ થોડું ખળખળાશે.

પૂર્ણ શ્રદ્ધા જો પ્રતીક્ષામાં હશે તો,
રામને પણ આંગણે લાવી શકાશે.

જિંદગી ભરપૂર જીવી લો પળેપળ,
મોત પાસે ના પછી મુદ્દત મગાશે.

તું પીડા સાથે પ્રથમ કેળવ ઘરોબો,
એ પછી જોજે ગઝલ સુંદર લખાશે.
 
-કિશોર બારોટ