તારો પોતાનો એક નાનકડો અંશ આજ ફફડું છું તારે ઉદર,
મા, મને તારાથી અળગી ન કર.

ઝાડ એના સુકકાયે પાંદડાને ખેરવવા હોતું કદી ય નથી રાજી,
ને તું કાં હેતવટો આપે છે આકરો? હું કુંપળ હજી તાજી.
મા તો એક એવી મૌસમ છે કે આવે ના જેમાં કદીય પાનખર.
મા, મને તારાથી અળગી ન કર.

હેતભર્યા ટહુકાથી ચિતરવી છે મારે તારા ફળીયામા વનરાઈ,
લેવી છે મારે વિદાય તને ભેટીને, વાગતી હો જ્યારે શરણાઈ,
ધૂપ જેમ સળગીને વ્હાલપની લ્હાણ કરું, મહેંકાવું બબ્બે હું ઘર,
મા, મને તારાથી અળગી ન કર.

નારી તો સર્જનની દેવી છતાંય એને અહીંયા ગણાય કાં અધૂરી?
એને તો અવતરવા માટે પણ દુનિયાની લેવી પડતી રે મંજૂરી?
પૂછું મા એટલું કે તારી આ મંગલમય કૂખ છે કે મારી કબર?
મા મને તારાથી અળગી ન કર.

– કિશોર બારોટ