ગીત ભરેલું ગાલ્લું દોડે, રસ્તો પૈડે વળગે
આખા ઘરનાં આંસુ લઈ રામણદીવડો સળગે
ગીત ભરેલું ગાલ્લું દોડે

પાનેતરમાં પાન ફફડતું, ઢોલ ઢબુકતો ઢીલો
ટોળે વળતાં વિદાયગીતો ચહેરો ઓઢી વીલો
ગીત ભરેલું ગાલ્લું દોડે

પાદર જાતાં સૂનું બચપણ પ્રેત બનીને વળગ્યું
તળાવડીને તીરે કોઈ ધ્રુસકે ધ્રુસકે સળગ્યું
ગીત ભરેલું ગાલ્લું દોડે

ગીત ભરેલું ગાલ્લું દોડે, રસ્તો પૈડે વળગે
આખા ઘરનાં આંસુ લઈ ૨ામણદીવડો સળગે
ગીત ભરેલું ગાલ્લું દોડે
 
-કરસનદાસ લુહાર
 
સ્વર : રાસબિહાસરી દેસાઈ
સ્વરાંકન : રાસબિહાસરી દેસાઈ