હરિ હું અડધો પડધો જાગું.mp3

 
 
હરિ હું અડધો પડધો જાગું
તને શોધવા ક્યાં સુધી હું મારામાંથી ભાગું?

ઝળઝળિયાનો રસ્તો
એમાં કાગળની છે હોડી
તને પામવા મારી અંદર
કરતો દોડાદોડી .
હરિ, તને હું કોઈ દિવસ નહીં રાધા જેવો લાગું ?

તેં જ ઘડી, ને તેં જ તપાવી
તેથી ઝળહળ કાયા
તેં જ પૂર્યા છે રંગો એમાં
તેં જ પૂર્યા પડછાયા.
મારી ચુપકીદી તું સમજે – બસ એટલું માંગું !
 
-અંકિત ત્રિવેદી
 
સ્વર : નયન પંચોલી
સ્વરાંકન : નયન પંચોલી