આલ્લે લે….mp3

 
 

રક્ષા શુક્લ

 
 

આલ્લે લે…
તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે !
ગરમાળો ગુલમ્હોર ઉપર જો ઢળી ગયો છે, આલ્લે લે !

પીળચટા ‘ને રતુંમડા ફૂલો પૂછે છે, ‘આવે છે?’
પાંખડીઓને પકડી હું નાચું ‘ને બોલું, ‘ફાવે છે’
ગાલાવેલો જીવ અમારો લળી ગયો છે, આલ્લે લે !
તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે!

ચાતક જેવી જાત અને હું પંખી નામે તરસ,
અનરાધારે આભ અમે જો એને કહેતા ‘વરસ’
અણઘડ આ અવતાર અમારો ફળી ગયો છે, આલ્લે લે !
તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે !

પગલામાં પગલું પડતા આ કળતર થાતું ગુમ,
કંટકને અણદેખા કરતુ મન કહે ‘તું ઝૂમ’
ચોમાસે મધુમાસ હળી ને ભળી ગયો છે, આલ્લે લે !
તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે !

-રક્ષા શુક્લ

સ્વર : ડૉ. ફાલ્ગુની શશાંકે
સ્વરાંકન : ડૉ. ફાલ્ગુની શશાંકે
સંગીત : દીપેશ દેસાઈ