ખૂંખાર વિસ્ફોટકો અને શસ્ત્રોની ખીચો ખીચ ભરાયેલી સભામાં એક નાનકડી બંદૂકની ગોળી પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે…
એણે એના લક્ષ્યને વિંધવામાં
બેકાળજી દાખવી હતી.

તોપના ગોળાએ કહ્યું, શું આ વાત સાચી છે ?

બંદૂકની ગોળીએ ધ્રુજતા ધ્રુજતા કહ્યું, જી હા, આ વાત સાચી છે.

લોડેડ મિસાઈલ બરાડી ઉઠી, “આજના જમાનામાં લક્ષ્ય ચૂકાય જ કેવી રીતે ?”

ગંભીર અવાજે એક ટેંકે કહ્યું, ખરેખર એ દિવસે શું થયેલું ?
એ વિગતવાર આ સભાને જણાવો.

અને બંદૂકની ગોળીએ કહ્યું,

મને બરાબર યાદ છે,
એ નાનકડું ઘર,
એ નાનકડો બગીચો,
એમાં રમતી નાની-નાની પગલીઓ,
અમને જોઈ હવામાં ફરફરતી નાની-નાની હથેળીઓ.

મને બરાબર યાદ છે,
સ્હેજ ધ્રુજી ઉઠી હતી ટ્રિગર પર મુકાયેલી એ આંગળી,
પરંતુ આદેશ સામે એય લાચાર.

અને હું’ય સનનન્ કરતી વછૂટી હતી મારા લક્ષ પર.

એ નાનકડા મસ્તકને તો જરૂર વીંધી નાખત પણ…
નાનકડી મુસ્કાનને વીંધતા વીંધતા છેલ્લી ઘડીએ હું જ ફસડાઈ પડી અને વિખેરાઈ ગઈ પારિજાતના ફૂલ બનીને એના માસૂમ ચહેરા પર.

આટલું સાંભળીને શસ્ત્રોની આખી સભામાં હો હા મચી ગઈ.

છેવટે ખોંખારો ખાઈને સૌથી વડીલ અણુ બોમ્બે કહ્યું…

મિત્રો આ નાનકડી બંદૂકની ગોળી આપણને ઘણું શીખવી ગઈ…

આપણા સૌના નસીબમાં ફૂટવાનુ તો લખાયેલું જ છે
તો પછી આપણે આટલું તો જરૂર કરી શકીએ ને ?

ફૂટતી વખતે ફૂલ બનીને વરસી પડીએ આ સુંદર ધરતી પર…

રંગો અને સુગંધોથી ભરી દઈએ એના પર જીવાઇ રહેલા જીવનને…
 
-કૃષ્ણ દવે
 
તા-24-10-2023