અમદાવાદ નેશનસ બૂકફેર માટે ખાસ ગીત લખ્યું આ ગીતને શ્યામલ-સૌમિલે સ્વરબધ્ધ કર્યું ને આરતી મુનશી સંગાથે ગાયું .
માન. મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીનેવરદ હસ્તે વહેતું મૂક્યુ.

ગ્રંથ ખોલતા ગ્રંથી મનની,
દૂર કરે સૌ બંધન,
હે પુસ્તક, તને વંદન.

વિદ્યાદાયિની મા સરસ્વતી કેરો તું પ્રસાદ,
વાદ વિવાદને અંતે રચતું,
તું જ અજબ સંવાદ.
સમાન સૌ તારી નજરોમાં
ધનિક હોય કે નિર્ધન.
હે પુસ્તક, તને વંદન.

પુસ્તક જઇ મસ્તકમાં વસતું,
રૂપ ધરે બુધ્ધિનું,
પુસ્તક હૈયે હસતું રૂપ છે
લાગણીની વૃધ્ધિનું.
લાગણી ને બુધ્ધિ બંનેનું
તું કરતું અનુમોદન.
હે પુસ્તક, તને વંદન.

પુસ્તક એવું પુષ્પ છે
જે ના કદીય કરમાતું.
પીળાં થાતાં પર્ણ છતાં યે
સદાય એ પમરાતું.
ઉત્તમ પુસ્તક વાંચતા
આખું મ્હેકી ઊઠે જીવન.
હે પુસ્તક, તને વંદન.

શબ્દરચના: તુષાર શુક્લ
સ્વરરચના: શ્યામલ-સૌમિલ
ગાયક કલાકારો: આરતી-શ્યામલ-સૌમિલ અને વૃંદ.