એક જ ટીપામાં હો જાણે સાત સમંદર,
એવા ઝંઝાવાત હજુ હૈયાની અંદર;

હોય હરણને મૃગજળથી બે હાથનું છેટું,
તારી ને મારી વચ્ચે બસ, એટલું અંતર!

જેવી હું, એવો તું એ નક્કી હોવાનો,
ભેદ ભલે હો બ્હાર, બધું સરખું છે ભીતર;

જુઓ કિનારે હાથ કોઈ ફેલાવી ઊભું!
ચાલો અહિયાં અટકી જઈએ, નાખો લંગર.

– પ્રા. હિમલ પંડ્યા “પાર્થ”

*એક જ ટીપામાં હો જાણે સાત સમંદર*
કવિ : હિમલ પંડ્યા
સ્વર : ડો. ભાવના મહેતા અંધારિયા
સ્વરાંકન : પ્રણવ મહેતા
આલ્બમ : એવું લખ હવે

આ આલ્બમના વેચાણમાંથી પ્રાપ્ત તમામ રકમ રુ. ૪,૫૦,૦૦૦/- પોલિયોનાબૂદી અભિયાનને સમર્પિત કરવામાં આવેલ છે.

સોજન્ય કવિશ્રી હિમલ પંડ્યા