પરપોટો થઈ ફૂટી ગયો રે
દરિયો રે, દરિયો રે, દરિયો રે

કાંઠે બેસી બીજ રોપતા એક છોકરે
છાલ ખાઈને ફેંકી દીધો ઠળિયો

હથેળિયુંમાં સોળ વરસને દીધી માઝમ કેદ
નસીબની રે રેખામાં ઘોળ્યા શ્વાસ ભરેલા ભેદ

સાવરણીની સાત સળીની આણ ફગાવી
ખીલી ગઈ રે કૂંણી કુંવારી કળીઓ

અંધકારના અજાણ રાતાં નગર ફળ્યાં બે શ્વાસ
ગઢમાં ગ્હેક્યાં મોર સાંભળી ફરફર ડોલ્યું ઘાસ

દરિયો ડહોળી ગીત ગોબરું દરિયાકાંઠે
ભરી ભરી ને ઠલવે રે આંગળીઓ

પરપોટો થઈ ફૂટી ગયો રે
દરિયો રે, દરિયો રે, દરિયો રે

– વિનોદ જોશી

(‘ઝાલર વાગે જૂઠડી’ કાવ્યસંગ્રહ)

સ્વરઃ આલાપ દેસાઈ

સ્વરાંકનઃ આશિત દેસાઈ