ક્ષણનાં  રહસ્યો  પામવાનો  આ પ્રતાપ છે;
કે ઓસથી  દરિયા સુધી મારો જ વ્યાપ છે.

પ્રસરી જવાનું તપ ધર્યુ છે શાને ઓ હ્રદય !
શું  લોહીમાં  સંકોચથી  જીવ્યાનું પાપ છે ?

આ  રંગ   પીંછી   દ્શ્ય   અનુભૂતિ  વ્યર્થ,
નિર્મમપણે  અસ્તિને ચીતરવાનો શાપ છે.

બાળકની   જેમ   જોઈ  શકું  છું  હવે  તને
પયગમ્બરી  મિજાજની આંખોમાં છાપ  છે.

હું  એક  શ્રધ્ધાથી  મને વળગી રહ્યો  અહીં,
કે કાળનો  પ્રવાસ પણ  અંતે  અમાપ  છે.

 

– જ્યેન્દ્ર શેખડીવાળા