કંકુ ઘોળ્યા, શુકન લખી જોયા
સાથિયે સાથિયે સખી જોયા

ભૂર્જપત્રોને ય ઓળખી જોયા
પગ ઊધઈના ય પારખી જોયા

મૂળ થડ ડાળ ડાળખી જોયા
ઝૂલી જોયા ‘ને લખલખી જોયા

જે તને થઈ મળ્યા નર્યું ઝાકળ
એ દિવસ મેં ય ધખધખી જોયા

એ જ ઊંચાઈ એ જ આદિમતા
તળથી લઈ છેક તીરખી જોયા

સાવ સરખાં ભજન-ગઝલ ભાળ્યાં
તો, નિકટ જઈને નીરખી જોયાં

એક ફક્કડ ; ફકીર છે બીજો
હાથનાં પોત પારખી જોયાં

– સંજુ વાળા

સ્વર : ગાર્ગી વોરા

સ્વરાંકન : ડો ભરત પટેલ