વરસો વીત્યાં વરસો વીતશે
હાથમાં લઇને હાથ ,
માણ્યો છે ને માણતાં રહેશું
સજની , આ સંગાથ
આપણો સપ્તપદીનો સાથ

નજર કરીને જોઉં પાછળ
વીતી ગયેલાં વરસો
રસઝરતાં એ વરસો માણવા
ફરી ફરી તમે તરસો
વીતી વેળા હાથ ન આવે
સ્મરણ બને સંગાથ
આપણો સપ્ત પદીનો સાથ

માણ્યું તેનું સ્મરણ કરો
એ સ્વાદની સાચવો યાદ
ફરી ફરી એ યાદ માણીએ
જીવન નથી ફરિયાદ
સાચવ્યાં છે ને સાચવી લેશે
આપણને શ્રીનાથ
આપણો સપ્તપદીનો સાથ

– તુષાર શુક્લ

સ્વર: નીરજ પાઠક

સ્વરાંકન :માલવ દિવેટીયા

સંગીત : શૈલેશ ઠાકર