આગની    મર્યાદા    ઉથાપે     નહિં,
તાપણે    બેસે   ખરો,     તાપે  નહિં.

ભીંતમાં    ઊગી     ગયેલા   વૃક્ષને,
ઘરધણી  કારણ   વિના   કાપે  નહિં.

જે   નદીની  જેમ   ઢસડાયાં   નથી
એ  તળાવો   રેત  પણ  આપે  નહિં,

રોજ   ઈચ્છાઓ   મરે   છે   કેટલી !
એટલે   અખબાર   એ   છાપે   નહિં.

હા,  દીવામાં તેલ ખૂટ્યું’તું   ‘પવન’,
એ   બુઝાયા   કોઈના   પાપે   નહિં.

– ભરત ભટ્ટ ‘પવન’