મધદરિયેથી શાંત થઈને ચાલ્યું આવે મોજું,
જોઈ કિનારો દોડે ભેટવા, ગાંડું થઈને મોજું.

થનગનતા યૌવન શું મોજું, મનગમતા પ્રીતમ શું મોજું,
અંગઅંગ ભીંજાવી જાણે હાથ ખેંચતું મોજું.

રીઝે તો એ ગેલ કરે, વિફરે તો એ જાન લઈ લે,
મૂંઝાવી માનવના મનને, ખુદ મલકાતું મોજું.

ના દીવાદાંડીની જરૂરત, ના હોડી ના નાવિકની,
આંખું મિંચી, ઘૂંઘટો ખેંચી, દોડી આવે મોજું.

સાંજે સોનેરી, રાતે રૂપેરી રંગ સજીને,
પરોઢિયે આળસ મરડીને બેઠું થાતું મોજું.

કાળમીંઢ પથ્થરને ભેટે, રૂપેરી રેતીને ભેટે,
સૌને સરખું વહાલ કરતું, ઈશ્વર જેવું મોજું.

  • જયસુખ પારેખ સ્વર : સ્તુતિ જાની

સ્વરાંકન : નિરવ પારેખ