.
માંડવડીમાં જ્યોતિ ઝગમગાટ રે
એ જ્યોતે જ્યોતે હજરાહજૂર મારી માત રે
માંડવડીમાં શગે જળે દીપવાટ રે
એ વાટે વાટે હજરાહજૂર નોરતાની રાત રે.

બેઠું ગગન આવી, માંડવડીને ટોડલે
ગૂંથ્યા ચાંદા ને સૂરજ માએ અંબોડલે
માંડવડીનો મઢયો અનોખો ઘાટ રે
એ ઘાટે ઘાટે હજરાહજૂર મોરી માત રે

માંડવડીમાં છાબલડી ને છાબડીએ જુવારા
જુવારે જુવારે રમતાં માડી રાખણહારાં
માડવડીમાં વિશ્વ સમાણું ચેતનના ચમકારા
માંડવડીમાં નોરતાના રમતાં નવલખ તારા

માંડવડીમાં રંગ ભર્યા રળિયાત રે
એને રંગે રંગે હજરાહજૂર મા સાક્ષાત્ છે.

-અવિનાશ વ્યાસ

સ્વર : હેમા દેસાઇ