ભીડ સાથે ચાલવાનું, આપણાથી નહિ બને,
ને બધા જેવું થવાનું, આપણાથી નહિ બને.

તું, હૃદય મારું તપાસી દોસ્તી કરજે અહીં,
જાતને શણગારવાનું, આપણાથી નહિ બને.

હું અઢી અક્ષરની વાતો જાણવા માંડ્યો બધી,
પણ તને સમજાવવાનું, આપણાથી નહિ બને.

તું ભલે વરસાદ જોજે બારીએથી, દોસ્ત પણ,
સાવ કોરા રહી જવાનું, આપણાથી નહિ બને.

આપણું અળગા થવું મંજૂર રાખ્યું પણ તને,
કાળજેથી કાપવાનું આપણાથી નહિ બને.

મારી રીતે જીવને હું શિવ બનાવું છું પરંતુ,
રોજ પથ્થર પૂજવાનું, આપણાથી નહિ બને.

-ગૌરાંગ ઠાકર

સ્વર : અસીમ મહેતા