મોતની ય બાદ તારી ઝંખના કરતો રહ્યો
કે તું જન્નતમાં મળે એવી દુઆ કરતો રહ્યો

જો તું જાણે તો ભરી મહેફિલ તજીને સાથ દે
એવી એકલતાભરી મારી દશા કરતો રહ્યો

એ હતો એક મોહ કે રહેશું જીવનભર સાથમાં
પ્રેમ તો એ છે જે આપણને જુદા કરતો રહ્યો

મેં બુરા ખ્યાલો ય રાખ્યા, ને અમલ પણ ના કર્યો
પાપની ને પુણ્યની ભેગી મજા કરતો રહ્યો

ક્યાં અનુભવ જિંદગીના, ક્યાં કવિતાનો નશો
ઝેર જે મળતું ગયું, એની સુરા કરતો રહ્યો

ન્યાય પણ ‘બેફામ’ આ પાપી યુગે અવળો કર્યો
પુણ્ય મેં જે જે કર્યાં એની સજા કરતો રહ્યો

કોણ જાણે શું હતું એનાં નીકળતાં શ્વાસમાં
માનવીની આ સૃષ્ટિની ઝેરી હવા કરતો રહ્યો

-બરકત વિરાણી ‘બેફામ’

સ્વર : રાજેન્દ્ર મહેતા