રસમ કોઈ પણ નથી જાણતો નથી જાણતો રીત સજનવા 
સાવ સરળ શબ્દોમાં લ્યો હું લઈને આવ્યો પ્રીત સજનવા

કદી પાનખર નહિ જ બેસે વસંત જેવા સદા રહીશું
મોસમ માફક નહીં બદલીયે નદી સરીખા વહીશું
રમત નથી આ લાગણીઓની, નથી હાર કે જીત સજનવા

રસમ કોઈ પણ નથી જાણતો નથી જાણતો રીત સજનવા
સાવ સરળ શબ્દોમાં લ્યો હું લઈને આવ્યો પ્રીત સજનવા

તમે વાંસળી, ફૂંક બનું હું, તમે સૂર હું તાલ
તમે નજરની સામે રહેજો અમે કરીશું વ્હાલ
સગપણ એવું હોય સૂરિલું જાણે પ્રેમ નું ગીત સજનવા

રસમ કોઈ પણ નથી જાણતો નથી જાણતો રીત સજનવા
સાવ સરળ શબ્દોમાં લ્યો હું લઈને આવ્યો પ્રીત સજનવા

-ભાર્ગવ ઠાકર

સ્વર : પ્રહર વોરા
સ્વરાંકન: ડો. ભરત પટેલ